Archive for the ‘કાવ્ય’ Category

પપ્પાનો દિવસ ~વર્ષા શાહ

Saturday, November 3rd, 2012

“મને હતું જ કે તારો ફોન આવવો જોઈએ––

હમણાં.  અબી જ.

આજે તારે ત્યાં તો ફાધર્સ ડે, ખરુંને?

ગઈ કાલ રાતથી તારી રાહ જોતો હતો.”

પપ્પાનો આ વર્ષો જૂનો સંવાદ.

 

એ અવાજના ભણકારા કાનમાંથી નથી જતા.

 

આજે તમારો દિવસ છે–– પપ્પા, ફોન ઉપાડો!

 

“બેટા, જોને પેલો ઉપરવાળો લઇ નથી જતો, થાક્યો છું હવે”

બે દસકાની એમની એક જ ફરિયાદ.

એ સાદ તો જો કે ઉપરવાળાએ સાંભળ્યો, પણ

 

એ અવાજના ભણકારા કાનમાંથી નથી જતા.

 

પેલે છેડે વરંડામાં ઉભા છે

મારા ફોનની રાહ જોતા––

 

પપ્પા, સાંભળો છો કે?

 

 

 

ચાનો કપ ~વર્ષા શાહ

Friday, November 2nd, 2012

ચાલ ત્યારે, બનાવી દે એક અડધો કપ

એમ કહેનારા એ પપ્પા–– આજે,

એક ઘૂંટડો તો પીશોને?

એનો જવાબ હકાર કે નકારમાં આપવા અસમર્થ છે.

મારો હાથ એમના કપાળે મૂકી

જાગે એની રાહ જોઉં છું.

 

બે ટમટમતા દીવા અંધારામાં ચમકે અને આનંદ થાય,

તેવી એમની આંખો ખૂલતી જોઈ

ફરી પૂછું છું:

પપ્પા, એકાદ  ચમચી તો લેશો ને?

આદુ-ફુદીનાની મસાલેદાર છે, એકદમ બાદશાહી, હોંકે!

 

ટગર ટગર એ દીવા મારા અરીસામાં તાકે છે.

સહેજ મલકાટથી માથું હલાવતા એમને જોઈ

હું ખુશીના આવેશથી દોડી, એક કપ લઇ આવું છું.

લો, પીઓ, જરા સારું લાગશે.

 

માથું ધુણાવતા અરીસામાંથી દીવા ખસી જાય છે.

ચા નો કપ, ચમચી, ટીપોય  મારી જોડે અદબથી બેસી રહે છે.

 

 

ઘરેણાંનો ડબ્બો ~વર્ષા શાહ

Friday, November 2nd, 2012

સીતાફળ, અડધું ખોલેલું, સ્ટીલની વાટકીમાં

પપ્પાના ઉઠવાની રાહ જોતું હતું.

એમણે પડખું ફેરવ્યું અને નજર પડી એવી હસી ઉઠી.

એક પેશી ખોલીને ગર એમની સૂકી જીભ પર મેં ટેરવેથી સેરવ્યો

અને ઠળિયાનું કાળું મોતી વાડકીને તળિયે સરકાવ્યું.

ઓહ, બંધ આંખે

ગરની મીઠાશને બોખા મોંએ તેઓ મમળાવતા રહ્યા.

હું માણતી રહી

સ્વાદ અને આનંદનો આ સંગમ.

 

થોડી ક્ષણો વળી પાછી વીતી ગઈ.

ધ્રુજતી પાંપણો મારા તરફ વાળી તે બોલ્યા:.

ઘરેણાંનો ડબ્બો.

મેં પૂછ્યું, પપ્પા સીતાફળની વાત કરો છોને?

જાણે ચેક મેઇટ થયો હોય અને બાજી જીત્યાનો આનંદ ઉભરે, તેમ

એમનો હાથ ઉંચો કરી, ફરી મલક્યા;

 

મારી સમજ પર કે

સીતાફળને નવાજેલા એમના ખિતાબ પર

એ સમજવાની જરૂર બેમાંથી એકેયને ના રહી.

 

 

 

 

મધુમાલતીનું હાસ્ય ~વર્ષા શાહ

Friday, November 2nd, 2012

વહેલી સવારે માળીએ મધુમાલતીને મઠારી––

ઘર ને ઝાંપે ભરાયેલી એની સાડી, ફૂલોથી ભરચક

કમાન પર એની કાતર ફરતી ગઈ, આડેધડે

ફૂલોના ગુચ્છા ખરતા ગયા.

 

એક ઝૂમખું મેં કાચના પ્યાલામાં ગોઠવ્યું

એમાં નો’તું રહેવું, તે ફૂલો ટીપોય પર ઉતરી ગયા

 

તે  વોકરમાં બેઠેલા પપ્પાના વાળમાં મેં ગોઠવી દીધાં.

બંધ આંખે તેઓ જીવનના કોઈ ચિત્રને શોધતા હતા

મેં ચાર-પાંચ ફોટા આમથી તેમ ફરીફરીને લીધા

 

એમનો મુગટ જોઈ મા હસી, સારવાર કરતો રાજુ હસ્યો,

પાછું ફરી મેં જોયું તો એમણે વળી એક ફૂલ ને કાનની પાછળ ખોસેલું

ચિત્રની દુનિયામાં

સૌન્દર્ય કે રમતને અવસરનું આમંત્રણ થોડું હોય?

 

મધુમાલતીનું તાજું હાસ્ય એ બંધ આંખો પાછળ જોયેલું

એની યાદ આજે આવી અને સવાર મારી મલકી ગઈ..

તેઓ તો એમના ચિત્રની શોધમાં ક્યાંના ક્યાં જતા રહ્યા..