Archive for September, 2007

અનુભૂતિ- વર્ષા શાહ

Sunday, September 30th, 2007

ઘણા વખતથી જવાની એ રાહ જોતા હતાં
‘જો મેં આ બધાંને કહી રાખ્યું છે.
પણ તનેય કહું-
સોનાની બે બંગડી અને તુલસી માળા તારાં
હું જઉ પછી તારે લઇ જવાનાં

ગયા વર્ષે ઉનાળો પડતાં પહેલાં
દેશમાં હું તેમને મળવા ગઇ ‘તી
તુલસી માળા વિનાનું ખાલી તેમનુ ગળું
ન ગમ્યું, તે પરાણે પાછી પહેરાવીને આવી
અલી, પણ એને હું જઉ પછી તુ લઇ જજે,
ધૃવપંક્તિની અધીરાઇ હતી એમના અવાજમાં
અણજાણી અકળામણ માં હું ગણગણતી રહી
ક્યાં પહેરવાની આને, હું અમેરીકામાં?

મારું મન સાંભળી એમના હોઠ ફફડેલા-
તુ પહેરે ના પહેરે તારી ઇચ્છાની વાત
મેં સ્નેહવિવેક્થી હકાર અને નકારમાં માથું ધુણાવેલું
પરમ દિવસે તે ગયાં

તેમની મોકલાવેલી ડાબલી આજે ખોલું છું
છીન છીન થયેલ હાથ રૂમાલમાં બાંધેલી
ઝવેરચંદ જરીવાલાનાં સોનેરી અક્ષરો નીચેથી ઉપસતી
કિશોરી જેવા તેમના કાંડાની હસ્તી
મારા હાથમાં ઝાલું છું

ચોકડી અને ટપકાંની ભાતમાં કોતરેલી દિશાઓ,
ભરચક ભરેલા તારા અને કેટ કેટલા દસકાનાં સૂરજો
કંડારાયેલા છે એ સોનાનાં કાંડામાં!

ઉતાવળી ઉતારેલી માળામાં તેમનાં વાળનાં ત્રણ તાર
હજુયે ભરાયેલ છે, હું તે આંખે અડકાડું છું
તેમના હાથની સુંવાળી કરચલીઓને પંપાળું છું

સંબંધની આ કઇ જાળ છે એ નથી સમજાતું. એમ જ,
અનુભૂતિનાં આંસુનું એક નવુ મોતી આજ એમા પરોવું છું
*****

ડલાસ (અમેરીકા) ખાતે “ગુર્જરી” કવિતા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પામેલ આ કાવ્ય સાસુમા-વહુદિકરીનાં નિર્મળ પ્રેમની અનુભૂતીની વાત્ મનમાં સોંસરુ ઉતારી જાય તેવુ કાવ્ય છે. આ અનુભવ સત્ય ઘટના છે જ તે કહેવાની જરુર નથી છતા જે આ પરિસ્થિતિમાંથી પસાર થયુ હશે તેમને તો ભાવ વિભોર બનાવી દેવાને સક્ષમ કવિયત્રી અંગ્રેજીમાં પણ ઘણા મોટા ગજાની નામનાને વરેલાં છે. ગુજરાતી સહિત્ય સરિતાનાં સભ્ય હોવાને નાતે તેમનો અંગત પરિચય છે અને તેમની પાસેથી ગુજરાતીમાં ઘણું સર્જન મળશે તેવી શ્રધ્ધા અને અપેક્ષા છે.